Tuesday, July 23, 2024
HomeGUJARATSurendraNagar: સુરેન્દ્રનગરના રસ્તા પરથી 150થી વધુ દબાણો હટાવાયાં

SurendraNagar: સુરેન્દ્રનગરના રસ્તા પરથી 150થી વધુ દબાણો હટાવાયાં


  • એ.ડિવિઝન પોલીસ, ટ્રાફિક વિભાગ અને નગરપાલિકાનું સંયુકત ઓપરેશન,
  • રસ્તાઓ ખુલ્લા થતા વેપારીઓ, રાહદારીઓ રાહતનો દમ લીધો
  • સોમવારે સવારે અચાનક જ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાતા શહેરના રસ્તાઓ લારીવાળાઓની દોડધામ

સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તાઓ પર દબાણોનો રાફડો ફાટયો છે. રસ્તા પર લારીવાળાઓ સહિત વેપારીઓએ પોતાનો સામાન બહાર રાખતા રસ્તાઓ સાંકડા બની જતા અવારનવાર ટ્રાફિક જામ થાય છે.

ત્યારે એ.ડિવીઝન પોલીસ, ટ્રાફિક શાખા અને નગરપાલિકાએ સોમવારે સવારે સંયુકત ઓપરેશન હાથ ધર્યુ હતુ. અને શહેરના મુખ્ય રસ્તાઓ પરથી 150થી વધુ દબાણો દુર કરવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકનો પ્રશ્ન સળગતો પ્રશ્ન છે. થોડા સમય પહેલા શહેરના વેપારીઓની રજૂઆત બાદ મુખ્ય રસ્તાઓ પર લારીવાળાઓને બગીચા પાસે જગ્યા આપીને ત્યાં ઉભા રખાયા હતા. પરંતુ તંત્રની ઢીલી નીતી સામે ફરી પરીસ્થિતી જૈસે થે થઈ ગઈ હતી. અને શહેરમાં ખાસ કરીને પીક અવર દરમિયાન ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. ત્યારે જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયાની સુચનાથી એ.ડિવીઝન પોલીસે સોમવારે દબાણ હટાવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એ.ડિવીઝન પીઆઈ આર.એમ.સંગાડા, ટ્રાફિક પીએસઆઈ એલ.બી.બગડા, મહાવીરસીંહ બારડ, અશ્વીનભાઈ, રાજુભાઈ કાનાણી, મનસુખભાઈ સહિતની ટીમો સાથે નગરપાલીકાના મયુરસીંહ, રાહુલ મોરી સહિતનાઓ પ ટ્રેકટર, જેસીબી સહિતના વાહનો સાથે જોડાયા હતા. અને શહેરના હેન્ડલુમ ચોકથી ટાવર ચોક, ટાંકી ચોકથી પતરાવાળી ચોક, દીપુભાના ચોકથી મેડીકલ કોલેજ સુધીના રસ્તાઓ પર અંદાજે 150થી વધુ દબાણો દુર કરાયા હતા. તંત્ર દ્વારા અચાનક દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવતા ખાસ કરીને શહેરના મોટી શાક માર્કેટ રોડ પર લારીવાળાઓમાં દોડધામ મચી હતી. અને નાની ગલીઓમાં તેઓ પોતાની લારીઓ લઈને ભાગતા નજરે પડયા હતા. સુરેન્દ્રનગર શહેરમાં દબાણ હટાવ ઝુંબેશથી રસ્તાઓ ખુલ્લા થઈ જતા વેપારીઓ, રાહદારીઓ અને વાહનચાલકોએ રાહતનો દમ લીધો હતો.

 દર અઠવાડિયે એક વાર દબાણ હટાવ ઝુંબેશ કરાશે 

  સુરેન્દ્રનગર શહેરમાં મુખ્ય રસ્તાઓ પર દબાણની સમસ્યાને લીધે ટ્રાફિક સમસ્યા વકરે છે. ત્યારે આ સમસ્યાનો કાયમી ધોરણે નીકાલ કરવા માટે દર અઠવાડીયે એક વાર નગરપાલીકાને સાથે રાખી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાશે તેમ સુરેન્દ્રનગર એ ડીવીઝન પીઆઈ આર.એમ.સંગાડાએ જણાવ્યુ હતુ. આ ઉપરાંત ટ્રાફિકને અડચણરૂપ થતા વાહનો અને લારીવાળાઓ સામે ફોજદારી ગુના પણ દાખલ કરાશે.

6 લારી ધારકો સામે ટ્રાફિકને અડચણ કર્યાની ફરિયાદ

સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસે દબાણ હટાવ ઝુંબેશ દરમીયાન શહેરના રસ્તાઓ પર લારી રાખી ટ્રાફિકને અડચણરૂપ થયાની 6 શખ્સો સામે ફરિયાદ નોંધી છે. જેમાં ફળની લારી ધરાવતા અનવર મહમદભાઈ ખોજાણી, કમલેશ વીરજીભાઈ ધોળકીયા, જુમ્મા મહમદભાઈ ખોજાણી, કટલેરીની લારી ધરાવતા અમીર સલીમભાઈ કટીયા, હોજીયરીની લારી ધરાવતા અબ્દુલ ઈબ્રાહીમભાઈ ચૌહાણ અને ચાની લારી ચલાવતા શકિત કરમશીભાઈ બાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 મુજબ ગુનો નોંધાયો છે.

કોઈપણ જાતની જાણ વગર દબાણ હટાવાતા નાના વેપારીઓમાં રોષ

સુરેન્દ્રનગર શહેરના રસ્તાઓ પર ટ્રાફિકને અડચણરૂપ લારી-ગલ્લા વાળાને હટાવવાની સાથે તંત્રની ગાજ નાના વેપારીઓ પણ પડી હતી. જેમાં દુકાનોના ઓટલા પર બેસી વેપાર કરતા વેપારીઓ, ઓટલા પર સામાન રાખતા વેપારીઓને પણ હટાવાયા હતા. ત્યારે તંત્ર દ્વારા અગાઉ મુદ્દત આપીને સોમવારે દબાણ હટાવાશે તેમ જણાવવામાં ન આવતા નાના વેપારીઓમાં રોષ ફેલાયો હતો.

બગીચા પાસે લારીવાળાઓને જગ્યા ફાળવાઈ હોવા છતાં ત્યાં ખાલીખમ ભાસે છે

સુરેન્દ્રનગરમાં અગાઉ વેપારીઓ દ્વારા કરાયેલ રજૂઆતો બાદ તંત્ર દ્વારા શહેરના હેન્ડલુમ ચોકથી ટાવર ચોક અને ટાંકી ચોકથી પતરાવાળી સુધી રસ્તા પર લારી રાખી વ્યવસાય કરતા લારીધારકોને શહેરના ટાગોર બાગ પાસે જગ્યા ફાળવી હતી. આ સ્થળે લારીવાળાઓ ઉભા પણ રહ્યા હતા અને શહેરના રસ્તાઓ પર ટ્રાફિક સમસ્યાનો નીવેડો આવ્યો હતો. પરંતુ થોડા દિવસો પછી ફરી લારીવાળાઓ બગીચા પાસેની જગ્યા છોડી રસ્તાઓ પર આવી જતા ટ્રાફિક સમસ્યા વકરી હતી. ત્યારે કાયમી ધોરણે લારીવાળાઓ બગીચા પાસે બેસે તેવી વ્યવસ્થા કરવા લોકમાંગ ઉઠી છે.Source link

- Advertisment -

Most Popular

Recent Comments