Tuesday, July 23, 2024
HomeBUSINESSBusiness News: નિફ્ટી 2028માં 38,400ના સ્તરે પહોંચશે?

Business News: નિફ્ટી 2028માં 38,400ના સ્તરે પહોંચશે?


  • ઐતિહાસિક આંકડા જોતા સેન્સેક્સે જે ટોચની સપાટી મેળવી હોય
  • તે સપાટી આશરે 10 વર્ષ પછી નિફ્ટી હાંસલ કરે છે ત્યારે…
  • નિષ્ણતો આગામી ચાર વર્ષમાં નિફ્ટીમાં આટલા વધારાની શક્યતા માટે મજબૂત કારણો રજૂ કરે છે

સેન્સેક્સ અને નિફ્ટી વચ્ચે મથાળાના સંદર્ભમાં જે અંતર રહેલું છે, તેને સૌ સારી રીતે જાણે છે. જોકે જો ભૂતકાળના આંકડા પર નજર કરીએ તો એક રસપ્રદ ટ્રેન્ડ જોવા મળે છે. પ્રત્યેક દસ વર્ષે નિફ્ટી તેના અગાઉના દસકામાં સેન્સેક્સનું જે મથાળું હોય તેની નજીક પહોંચે છે.

આ વાતને આંકડાઓના આધારે સમજીએ તો 30 શેર આધારિત સેન્સેક્સ 1995માં 3,470ના સ્તરની આસપાસ ટ્રેડ થતો હતો, જ્યારે 50 શેર આધારિત નિફ્ટી 50 1,000ના મથાળાની આસપાસ હતો. માર્ચ, 2006 સુધીમાં નિફ્ટી વધીને 3,470ના સ્તરે પહોંચી ગયો હતો, જે સેન્સેક્સનું 1995નું સ્તર હતું. આ સમયે સેન્સેક્સ 11,580ના સ્તરે પહોંચી ગયો હતો. તે પછી આગળ જતાં વર્ષ 2018માં નિફ્ટી 11,580ના સ્તરે હતો, જે સેન્સેક્સનું 2006નું સ્તર હતું. આ વર્ષમાં સેન્સેક્સ 38,400ની સપાટીએ પહોંચી ગયો હતો. આ ઐતિહાસિક આંકડાના આધારે બજારના ખેલાડીઓમાં એવો પ્રશ્ન હવે ઉપસ્થિત થાય છે કે શું નિફ્ટી આ જ ટ્રેન્ડને અનુસરીને વર્ષ 2028માં 38,400ના મથાળાને સ્પર્શ કરશે.

નિષ્ણાતો આ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવે છે કે ભારતીય શેરબજાર હાલના તેજીના તબક્કામાં15થી 16 ટકાના ચક્રવૃદ્ધિ દરે વિકાસ સાધી રહ્યા છે. ભૂતકાળના આંકડા પર નજર કરીએ તો સેન્સેક્સ મોટા ભાગે નિફ્ટીથી3.5 ગણો ઉપર રહ્યો છે. જો વિકાસદર 15 ટકા હોય તો સામાન્ય રીતે10 વર્ષમાં રોકાણ ત્રણ ગણું થઇ જાય છે. જો આ હકીકતના આધારે ગણતરી કરીએ તો નિફ્ટી વર્ષ 2028માં 38,000ના સ્તરે પહોંચી જાય એ શક્ય છે. વધુમાં હાલમાં ભારતીય કંપનીજગતની કમાણી અંગેના જે અંદાજો છે તે ઉપરાંત સરકારનું જંગી રોકાણ કરવાનું આયોજન અને જીડીપીના વૃદ્ધિદરના હાલના આંકડા તથા અંદાજ પણ નિફ્ટીમાં આટલા વધારાને અવકાશ પૂરો પાડવા સક્ષમ છે.

અન્ય એક એનાલિસ્ટ જણાવે છે કે હાલમાં શેરબજારમાં જે સ્થિતિ છે તે અને વૃદ્ધિ માટેનો અવકાશ બન્ને ભૂતકાળનો ટ્રેન્ડ રિપિટ થાય એવી શક્યતાને પ્રબળ બનાવે છે. તેમના મતે ભારત હાલમાં સર્વિસ આધારિત અર્થતંત્રને બદલે ઉત્પાદન આધારિત અર્થતંત્ર તરફથી પરિવર્તિત થઇ રહ્યો છે, જેને પગલે રોજગારી પણ વધશે અને સાથે સાથે દેશની માથાદીઠ આવકમાં પણ વધારો થશે. જો આવું થાય તો સ્વાભાવિકપણે શેરબજારની ગતિશીલતા વધી જાય. આવા સંજોગોમાં પણ હાલની મિશ્રા સરકાર કોઇ પણ પ્રકારના સમાધાન વગર અર્થતંત્રના વૃદ્ધિદરને જ જો પ્રાધાન્ય આપે તો નિફ્ટીને 2028 સુધીમાં 38,000ના સ્તર સુધી કોઇ પહોંચતો અટકાવી શકે એમ નથી એમ પણ તેમણે ઉમેર્યું હતું.

સંયોગાવશાત 2024માં નિફ્ટી 500માં સમાવિષ્ટ શેરો અને તમામ લિસ્ટેડ કંપનીઓનો પ્રોફિટ ટુ જીડીપી રેશિયો અનુક્રમે 4.8 ટકા અને 5.2 ટકાના સ્તરે પહોંચી ગયો છે. આ રેશિયો તેની પંદર વર્ષની સૌથી ઊંચી સપાટીએ છે. આ રેશિયોમાં વાર્ષિક ધોરણે જે વૃદ્ધિ જોવા મળી છે તેના માટે મુખ્યત્ત્વે બેંકિગ-ફાઇનાન્સ-સર્વિસીસ-ઇન્શ્યોરન્સ (બીએફએસઆઇ), ઓઇલ એન્ડ ગેસ અને ઓટો ક્ષેત્રએ મોટું યોગદાન આપ્યું છે. આ ત્રણ ક્ષેત્રો કુલ વધારામાં 95 ટકા હિસ્સા માટે જવાબદાર છે. બીજી તરફ મેટલ, ટેકનોલોજી અને કેમિકલ ક્ષેત્રએ રેશિયોમાં થયેલા વધારા પર નેગેટિવ અસર કરી છે. પાછલા વર્ષની તુલનાએ નિફ્ટી 500ના આ રેશિયોમાં 0.8 ટકાનો વધારો થયો છે, જેમાં બીએફએસઆઇ ક્ષેત્રનું યોગદાન 0.3 ટકા, ઓઇલ એન્ડ ગેસનું 0.3 ટકા અને ઓટોમોબાઇલ ક્ષેત્રનું યોગદાન 0.2 ટકા રહ્યું છે.

આગામી સમયગાળામાં નિફ્ટી 50માં થનારી વૃદ્ધિ અંગે મત વ્યક્ત કરતાં અન્ય એક નિષ્ણાત જણાવે છે કે વર્ષ 2024-25માં આ ઇન્ડેક્સમાં વાર્ષિક ધોરણે 13 ટકાની વૃદ્ધિ થવાનો અંદાજ છે. આ વૃદ્ધિમાં મુખ્ય યોગદાન બીએફએસઆઇ, ઓઇલ એન્ડ ગેસ, મેટલ અને ટેકનોલોજી ક્ષેત્રનું રહેશે. આ ચાર ક્ષેત્ર નિફ્ટીમાં થનારા કુલ વધારામાં 75 ટકા જેટલું યોગદાન આપશે એમ તેઓ ઉમેરે છે.

તાજેતરમાં જ અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેંકિગ ફર્મ જેફ્રિઝે ભારતીય શેરબજારનું મૂલ્ય 2030 સુધીમાં બેગણું વધીને 10 ટ્રિલિયન ડોલર થશે એવી આગાહી કરી હતી. આના માટે ભારતમાં હાલમાં ચાલી રહેલા આર્થિક સુધારા અને ભૂતકાળમાં શેરબજારે જે બે આંકડામાં વળતર આપ્યું છે તેનો આધાર લીધો હતો. આ આગાહી કરતી વખતે જેફરીઝે એવી નોંધ પણ કરી હતી કે હાલમાં ભારતના અર્થતંત્રનો વૃદ્ધિદર સમગ્ર વિશ્વના દેશોમાં સૌથી વધુ ઝડપી વૃદ્ધિદર પૈકીનો એક છે. આના કારણે ભારત વિદેશી રોકાણકારો માટે એક આકર્ષક બજાર બની ગયું છે. ખાસ કરીને જે રોકાણકારો ચીનમાંથી રોકાણ પરત ખેંચી અન્ય જગ્યાએ રોકાણ કરવા માંગતા હોય એવા રોકાણકારો માટે તો ભારત પહેલી પસંદ બન્યું છે. ભારતના અર્થતંત્રએ છેલ્લા એક દસકામાં 7 ટકાના સીએજીઆર સાથે વૃદ્ધિ નોંધાવી છે અને તેનું કદ 3.6 ટ્રિલિયન ડોલરે પહોંચ્યું છે. આના પગલે ભારત સમગ્ર વિશ્વમાં સૌથી મોટા અર્થતંત્રમાં આઠમાં સ્થાનેથી આગળ વધીને હાલમાં પાંચમાં સ્થાને આવી ગયું છે.

ઉલ્લેખનિય છે કે ભારતીય શેરબજારમાં નાણાંકીય વર્ષ 2023-24માં અભૂતપૂર્વ તેજી જોવા મળી હતી જે પછી ચાલુ નાણાંકીય વર્ષમાં પણ તેજીનો દોર આગળ વધી રહ્યો છે ત્યારે ભવિષ્યમાં બજારની ચાલ કેવી રહેશે તેની પર સૌની નજર છે.Source link

- Advertisment -

Most Popular

Recent Comments