Tuesday, July 16, 2024
HomeBUSINESSપાછલી ત્રણ ચૂંટણીની તુલનાએ આ વખતે વોલેટાલિટી ઇન્ડેક્સમાં વધારો ઘણો ઓછો

પાછલી ત્રણ ચૂંટણીની તુલનાએ આ વખતે વોલેટાલિટી ઇન્ડેક્સમાં વધારો ઘણો ઓછો


  • લોકસભાની ચૂંટણી વખતે અનીશ્ચીતતા સર્જાતી હોવાથી ફિયર ગેજ ઇન્ડેક્સમાં વધારો અપેક્ષિત
  • ઊંચા મૂલ્યની ચિંતા વચ્ચે અનીશ્ચીતતાના કારણે પ્રોફિટ બુકિંગનું ચલણ વધતા બજાર ઘટે છે
  • સેન્સેક્સમાં મંદીના પાંચ દિવસમાં 2,207 પોઇન્ટનો કડાકો જોવા મળ્યો

  ભારતીય શેરબજારમાં પાંચ દિવસ સતત મંદીની ચાલમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 15 લાખ કરોડનું ધોવાણ થયું તે પછી વીતેલા સપ્તાહના છેલ્લા દિવસે બજારમાં તેજી જોવા મળતાં ખેલાડીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. સેન્સેક્સમાં મંદીના પાંચ દિવસમાં 2,207 પોઇન્ટનો કડાકો જોવા મળ્યો તેના માટે હાલમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીના પ્રથમ ત્રણ તબક્કામાં થયેલા મતદાનની ઓછી ટકાવારીને એક મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આના કારણે શાસક પક્ષને કેટલા માર્જિનથી જીત મળી છે તેની ચિંતા વધી છે ત્યારે ફિઅર ગેજ ઇન્ડેક્સ કે વોલેટાલિટી ઇન્ડેક્સ તરીકે જાણીતા ઇન્ડિયા વીઆઇએક્સમાં પણ છેલ્લા કેટલાક દિવસમાં મોટો ઉછાળો નોંધાયો છે. જે બાબત પણ બજારના આ ઉચાટની પ્રતિતી કરાવે છે. 23મી એપ્રિલે આ ઇન્ડેક્સ 10.2ના સ્તરે હતો તે 9મી મેના રોજ વધીને 18.2ના સ્તરે ગયો છે, એટલે કે 17 દિવસમાં તેમાં 80 ટકા જેટલો વધ્યો છે. આ ઇન્ડેક્સની આ સપાટી ઓક્ટોબર, 2022 પછીની સૌથી ઊંચી સપાટી છે, જે બજારમાં હાલમાં અસંમજસની સ્થિતિ અને ચિંતાનો માહોલ છે એવું સુચવે છે.

   જો કે ભૂતકાળના આંકડા પર નજર કરીએ તો 2019ની લોકસભાની ચૂંટણી વખતે પણ આવો જ માહોલ સર્જાયો હતો. એ સમયે 8 માર્ચ, 2019ના રોજ આ ઇન્ડેક્સ 14.9ના સ્તરે હતો તે વધીને 17મી મેના રોજ 28.08 પર પહોંચ્યો હતો. તે પછી જંગી બહુમતિ સાથે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર રચાઇ તેને પગલે જુલાઇ, 2023માં આ ઇન્ડેક્સ ઘટીને 12ની સપાટીએ આવી ગયો હતો. 2014ની ચૂંટણીની વાત કરીએ તો ત્યારે પણ આ ચૂંટણી એપ્રિલ અને મેમાં જ યોજાઇ હતી. એ સમયે 21 ફેબ્રુઆરી, 2014ના રોજ ઇન્ડિયા વીઆઇએક્સ ઇન્ડેક્સ 14.04ની સપાટીએ હતો એ 9 મેના રોજ વધીને 37.71ની સપાટીએ આવી ગયો હતો.

  2009ની ચૂંટણીમાં તો પરિસ્થિતિ કંઇક અલગ હતી. એ સમયે ચૂંટણી પહેલાના વર્ષમાં વૈશ્વિક આર્થિક કટોકટી અનુભવાઇ હતી. વૈશ્વિક કંપની લેહમેન બ્રધર્સે નાદારી નોંધાવી હતી અને વૈશ્વિક બજારોમાં ખળભળાટ મચી ગયો હતો. આવી સ્થિતિમાં ચિંતાનો માહોલ ઊભો થયા ઓક્ટોબર, 2008માં વોલેટાલિટી ઇન્ડેક્સ વધીને 90ની સપાટીએ પહોંચી ગયો હતો. જોકે ચૂંટણીની શરૂઆત થઇ તે પહેલા ફેબ્રુઆરી, 2009માં તે લગભગ 40ના સ્તરે આવી ગયો હતો. આમ આટલા ઊંચા સ્તરે હોવા છતાં ચૂંટણીને પગલે મે, 2009માં તે પાછો વધીને 84.9ના સ્તરે પહોંચી ગયો હતો. એ ચૂંટણીમાં યુપીએ સરકારે સત્તા જાળવી રાખી હતી, જે બજારને પસંદ ન હતું તેથી પરિણામ જાહેર થયા તે પછી 29 મે, 2009ના રોજ આ ઇન્ડેક્સ પાછો ઘટીને 40ના સ્તરે આવ્યો હતો અને એનાથી નીચે ગયો ન હતો.

આમ આ ઇન્ડેક્સના આધારે તારણ કાઢીએ તો શેરબજારને અનીશ્ચીતતા સહેજે પસંદ નથી અને જ્યારે પણ લોકસભાની ચૂંટણી હોય ત્યારે આવી અનીશ્ચીતતા પેદા થાય છે. આથી આ ઇન્ડેક્સ વધે છે. આ વખતે રાહત આપનારી વાત એ છે કે હાલમાં આ ઇન્ડેક્સ પાછલી ત્રણ ચૂંટણીઓમાં જોવા મળેલી તેની ટોચથી ઘણો નીચો છે.

અમેરિકામાં પણ ચૂંટણી વખતે ફિયર ગેજ ઇન્ડેક્સ વધે છે

  અમેરિકામાં પણ જ્યારે પ્રેસિડેન્ટની ચૂંટણી યોજાય ત્યારે ફિયર ગેજ ઇન્ડેક્સ વધે છે. 2020માં આ ચૂંટણી યોજાઇ ત્યારે નવેમ્બરમાં ત્યાંનો ફિયર ગેજ ઇન્ડેક્સ સીબીઓઇ વીઆઇએક્સ કે જે ઓક્ટોબરમાં 25ના સ્તરે હતો તે નવેમ્બરમાં વધીને 38.5 પર પહોંચ્યો હતો. સામાન્ય રીતે અમેરિકામાં આ ઇન્ડેક્સ એટલો ઊંચો જતો નથી પણ એ વખતે કોવિડની મહામારીના કારણે ઓક્ટોબરમાં આ ઇન્ડેક્સ પહેલેથી જ 25 જેટલા ઊંચા સ્તરે હતો. એ પહેલાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા એ પહેલા ઓક્ટોબરમાં આ ઇન્ડેક્સ 13.75ના સ્તરે હતો તે નવેમ્બરમાં વધીને 16.5 થયો હતો.નોંધનીય બાબત એ છે કે ભારતની જેમ અમેરિકામાં લોકો એવું માનતા નથી કે શાસક બદલાય તો તેના કારણે શેરબજાર પર તેની અસર થશે તેમ છતાં આ ઇન્ડેક્સ વધે છે.

પ્રોજેક્ટ ફાઈનાન્સ અંગે આરબીઆઇનો પ્રસ્તાવ પણ બજાર ઘટવાનું એક કારણ

  આરબીઆઇએ તાજેતરમાં બાંધકામ હેઠળ હોય એવા પ્રોજેક્ટ માટેની લોન અર્થે પ્રોવિઝનિંગની ટકાવારી 0.4 ટકાથી વધારીને 5 ટકા કરવાનો જે પ્રસ્તાવ મુક્યો છે, તે બાબત ફાયનાન્સિયલ ક્ષેત્ર માટેના શેરો માટે હાલમાં વિઘાતક સાબિત થઇ રહી છે. આ નવા નિયમો હાલમાં જે ધિરાણ આપી દેવાયું છે તેની પર પણ લાગુ પડવાના છે. આના કારણે નવા પ્રોજેક્ટ માટેની લોનના વ્યાજદર વધશે, આવા નવા ધિરાણને મંજૂરી મળવામાં પણ હવે આ નિયમોને અમલી બનાવવા અંગે અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી વિલંબ થશે અને તેના કારણે હાલમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મૂડી ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેની ગતિ ધીમી પડશે એવી ભીતિ છે. આ ઉપરાંત બેંકો સહિતની ધિરાણ આપતી સંસ્થાઓના નફા પર પણ તેની વિપરીત અસર પડી શકે છે. આના કારણે આ ક્ષેત્રના શેરોમાં હાલમાં તીવ્ર કડાકો જોવા મળ્યો છે.

શેરોના ઊંચા મૂલ્યના કારણે પ્રોફિટ બુકિંગનું વલણ

  2023-24માં જોવા મળેલી અભતપૂર્વ તેજીને પગલે હાલમાં ભારતીય શેરોના ૂમૂલ્ય ખૂબ ઊંચા છે એવું નિષ્ણાતો માને છે. આવા સંજોગોમાં ચૂંટણી સમયે અનીશ્ચીતતા વધતાં મોટા ભાગના રોકાણકારો નફો ગાંઠે કરવામાં જ શાણપણ માની રહ્યા છે. જેના કારણે વેચવાલી આવતા શેરોના ભાવ ઘટી રહ્યા છે એમ પણ નિષ્ણાતો માને છે.

હવે બજારને તેજી માટે મોટું ટ્રિગર ક્યારે મળશે?

  હાલમાં બજારમાં આગઝરતી તેજીનો સંચાર કરે એવા ટ્રિગરનો અભાવ છે ત્યારે સો મણનો સવાલ એ છે કે આવુ ટ્રિગર ક્યારે મળશે. લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થાય તેને પગલે અનીશ્ચીતતાનો માહોલ પૂર્ણ થતાં બજારને દિશા મળશે એમ નિષ્ણાતો માની રહ્યા છે, પરંતુ હાલનો શાસક પક્ષ ફરી વાર સત્તા પર આરૂઢ થશે એ બાબતને તો બજારે પહેલેથી જ ડિસ્કાઉન્ટ કરી દીધી હોવાથી તેના કારણે મોટું ટ્રિગર મળવાની શક્યતા ઓછી છે. નવી સરકાર બજેટ રજુ કરે તે પછી સ્થિતિ થોડી સુધરી શકે છે પરંતુ ફેડરલ રિઝર્વ દ્રારા અને તેને પગલે આરબીઆઇ દ્રારા જો વ્યાજદરમાં ઘટડો જાહેર કરવામાં આવે તો તે બજારમાં નવા પ્રાણ ફૂંકી શકે છે. USમાં ફુગાવાનો દર ધાર્યા કરતા વધારે છે, તેમ છતાં જોબ ડેટા નકારાત્કમ આવતા અર્થતંત્રમાં નવું જોશ લાવવા યુએસ ફેડરલ દ્રારા આવો નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે. બીજી તરફ RBIના પ્રોફેશનલ ફોરકસ્ટાર્સના એક સર્વે મુજબ આરબીઆઇ ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળાથી વ્યાજદરમાં 0.25 ટકાના ઘટાડાથી શરૂઆત કરી શકે છે અને ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં વ્યાજદર હાલના 6.75 ટકાના સ્તરેથી ઘટાડીને 6 ટકા કરવામાં આવે એ શક્ય છે.Source link

- Advertisment -

Most Popular

Recent Comments