Tuesday, July 16, 2024
HomeGUJARATJetpur News : ગોરે યજમાનને ધક્કો માર્યો, માથું પટકાતા મોત

Jetpur News : ગોરે યજમાનને ધક્કો માર્યો, માથું પટકાતા મોત


  • હવનમાં અન્ય ગોરને બોલાવતાં પારંપરિક ગોર ગુસ્સે ભરાયા
  • યજમાન સાથે બોલાચાલી કરી તેને ધક્કો મારતા યજમાનનું માથું જમીન સાથે ભટકાયું
  • સારવાર મળે તે પહેલા વૃદ્ધનુ નિપજયું મોત

જેતપુર તાલુકાના રબારીકા ગામે આજે એક અકલ્પનિય બનાવ બન્યો હતો. જેમાં ગામમાં ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પારંપરિક કર્મકાંડ કરતા ગોર મહારાજને હવન કરવા ન બોલાવતા ગોર ગુસ્સે ભરાય યજમાન સાથે બોલાચાલી કરી તેને ધક્કો મારતા યજમાનનું માથું જમીન સાથે ટકરાતા તેનું મોત નિપજ્યું હતું. યજમાનને તાબડતોબ સારવાર માટે ખસેડાયા હતા પરંતુ ત્યાં સુધીમાં તેમનું પ્રાણપંખેરું નીકળી ગયું હતું. પોલીસે ફરિયાદ નોંધવા સહિતની તજવીજ શરૂ કરી છે.

નીચે પટકાતા બેભાન થયા

જેતપુર તાલુકાના રબારીકા ગામે રહેતા ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો આજે ગામમાં એક હવન કરી રહ્યાં હતા. જેમાં હવનમાં યજમાન તરીકે રવજીભાઈ રાઠોડ નામના વૃદ્ધ સેવા બજાવતા હતાં. જેમાં હવન ચાલુ હતો તે દરમિયાન રાજકોટ રહેતા અમૃતલાલ ગોર કે જે રબારીકા ગામના ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પારંપરિક કર્મકાંડ કરવાનું કામ કરતાં હતા. તેઓ હવન સ્થળે આવી બોલાચાલી કરવા લાગ્યાં. આ વયોવૃદ્ધ ગોરને ગામલોકોએ જણાવ્યું હતું કે, તમને અનેકવાર કહેણ મોકલ્યું પરંતુ તમે કર્મકાંડ કરવા ન આવ્યા એટલે ફરજિયાત બીજા ગોરને બોલાવવા પડયા. જે વાતથી અમૃતલાલ ગોર ગુસ્સે ભરાયા હતા અને યજમાન રવજીભાઈ સાથે ગાળાગાળી કરી તેનો ધક્કો મારતાં રવજીભાઈ જમીન પર પટકાયા હતા અને તેને માથાના પાછળના ભાગે કોઈ બોથડ પદાર્થ લાગી જતાં તોઓ બેભાન થઈ ગયાં હતા.

પીએમ રીપોર્ટ પછી મોતનું સાચુ કારણ આવશે સામે

તેઓને તરત જ સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર માટે લાવતા ફરજ પરના ડોકટરે રવજીભાઈને મૃત જાહેર કર્યા હતાં. આથી આખી ઘટના પોલીસ મથકે પહોંચી હતી. સમાજના પારંપરિક ગોરે સમય ન આપતાં અન્ય ગોરને બોલાવીને હવન શરૂ કરાવી દેવાયો હતો અને તેના પગલે અમૃતલાલ ગોર ગિન્નાયા હતા અને તેમણે યજમાન પર બધો ખાર ઉતારતાં યજમાન રવજીભાઇનું મોત થયું હતું. જો કે મૃતકના મોતનું મોતનું સચોટ કારણ જાણવા ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે મૃતદેહ મોકલવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે ફોરેન્સિક રીપોર્ટ આવી ગયા બાદ કોઈ નિર્ણય ઉપર આવશે તેવું જાણવા મળ્યું હતું.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments