Monday, July 22, 2024
HomeGUJARATAMCના વકીલો હાઈકોર્ટ શું કહેવા માંગે-છે તે જ સમજતા નથી :કોર્ટ

AMCના વકીલો હાઈકોર્ટ શું કહેવા માંગે-છે તે જ સમજતા નથી :કોર્ટ


  • હાલ કેટલા STPની જરૂર છે? 15-20 વર્ષે કેટલાની જરૂર પડશે તેવી પૃચ્છા કરી
  • ચીફ્ જસ્ટિસની ખંડપીઠે અમ્યુકોનો ઉધડો લઇ નાંખ્યો હતો
  • હાઇકોર્ટે મ્યુનિસિપલ કમિશનરને બોલાવવાની ચીમકી ઉચ્ચારી

સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગેની સુઓમોટો જાહેરહિતની રિટ અરજીની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ શહેરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જરૂરિયાત અને તેના ભવિષ્યના એકશન પ્લાન સંબંધી કરેલી પૃચ્છાનો અમ્યુકોના વકીલો તરફ્થી કોઇ જ સંતોષકારક જવાબ કે ખુલાસો નહીં કરી શકાતાં ચીફ્ જસ્ટિસની ખંડપીઠે અમ્યુકોનો ઉધડો લઇ નાંખ્યો હતો. હાઇકોર્ટે એક તબક્કે અમ્યુકોના સોંગદનામાંનો પણ અસ્વીકાર કરવાની અને મ્યુનિસિપલ કમિશનરને બોલાવવાની ચીમકી ઉચ્ચારી હતી. હાઇકોર્ટે એટલે સુધી ટકોર કરી હતી કે, જો તમને હાઇકોર્ટના હુકમની પરવા ના હોય તો પછી હાઇકોર્ટ તેની રીતે સખ્તાઇથી કાર્યવાહી કરશે. હાઇકોર્ટે કોર્પોરેશન દ્વારા જે પ્રકારે સોગંદનામું ફઇલ કરાયું તેને પણ કાગળની બરબાદી ગણાવી હતી અને નવેસરથી સોગંદનામું ફઇલ કરવા અમ્યુકોને હુકમ કર્યો હતો.

સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગેની પીઆઇએલની સુનાવણી દરમ્યાન આજે હાઇકોર્ટે અમ્યુકોને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, તેની ક્ષમતા, તેના ભવિષ્યના એકશન પ્લાન સહિતના મુદ્દે વેધક સવાલો કર્યા હતા. જો કે, અમ્યુકો પાસે તેનો કોઇ જ ચોક્કસ કે સ્પષ્ટ જવાબ ન હતો. સોગંદનામાના પેજ નંબર અને વિગતોની અસ્પષ્ટતાને લઇને પણ હાઇકોર્ટે બહુ ગંભીર નારાજગી વ્યકત કરી હતી. હાઇકોર્ટે એટલે સુધી કહ્યું હતું કે, હાઇકોર્ટે અમ્યુકોને એવું પૂછયું છે કે, અમદાવાદ શહેરમાં કુલ કેટલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જરૂરિયાત છે..? ભવિષ્યમાં આવનારા પંદર-વીસ વર્ષમાં કેટલા એસટીપીની જરૂરિયાત ઉભી થશે..? આ માટે અમ્યુકોની ભાવિ રૂપરેખા શું છે..? તેનો સીધો, સ્પષ્ટ અને આંકડા સાથેનો જવાબ માંગ્યો છે, તેનો જવાબ અમ્યુકોના આટલા મોટા સિનિયર વકીલો આપી શકયા નથી. એમ જણાય છે કે, અમ્યુકોના વકીલો હાઇકોર્ટ શું કહેવા માંગે છે તે સમજી જ શકયા નથી લાગતા..હાઇકોર્ટ અમ્યુકો પાસે એસટીપીને લઇ બ્લુ પ્રિન્ટ માંગી રહી છે પરંતુ અમ્યુકોના વકીલો એકની એક જ વાત દોહરાવ્યે રાખે છે. લાગે છે કે, તેમને અદાલતની પૃચ્છા સમજાતી નથી લાગતી.

દરમ્યાન અમ્યુકોના વકીલ તરફ્થી એવો બચાવ રજૂ કરાયો હતો કે, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટને લઇ અમ્યુકોએ નેધરલેન્ડની કંપનીને કામગીરી સોંપી છે અને તેની પાસેથી રિપોર્ટ મેળવ્યો છે., જેથી હાઇકોર્ટે તરત જ અમ્યુકોના વકીલને ટોકતાં જણાવ્યું કે, તમે એ રિપોર્ટ સીધો જ હાઇકોર્ટમાં મૂકી દીધો..? ખરેખર આ રિપોર્ટ મ્યુનિસિપલ બોર્ડ કે મિટિંગમાં મૂકીને તેની પર ચર્ચા કરી હતી કે કેમ..? કે તેની પર કોઇ નિર્ણય લેવાયેલ છે કે કેમ..?

વળી, હાઇકોર્ટે આ મામલે મ્યુનિસિપલ કમિશનર પાસે જવાબ માંગ્યો હતો, તેમછતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આ રિપોર્ટ સાથે સોગંદનામું રજૂ કર્યું છે..અદાલત આ પ્રકારનું સોગંદનામું સ્વીકાર કરી શકે નહી. અમ્યુકો તરફ્થી હાજર થતાં બંને વકીલોને હાઇકોર્ટે માર્મિક ટકોર સાથે નવેસરથી હાઇકોર્ટ જે ઇચ્છી રહી છે તેની સ્પષ્ટ માહિતી સાથેનું સોગંદનામું તા.22મી માર્ચ સુધીમાં રજૂ કરી દેવા અમ્યુકોને હુકમ કર્યો હતો.

AMCએ તેના STPની ક્ષમતા વધારવાની જરૂર : જીપીસીબી આ કેસમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(જીપીસીબી) દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાંમાં જણાવાયું હતું કે, અમ્યુકો દ્વારા તેના એસટીપીની ક્ષમતા વધારવાની તાતી જરૂરિયાત છે. ખાસ કરીને જે એસટીપી ખાતે ટ્રીટ થયા વિનાનું સુએઝ જોવા મળ્યું છે તેવા ચાર એસટીપીની ટ્રીટમેન્ટ ક્ષમતા વધારવાની જરૂર છે. તો, આઠ એસટીપી કે બિન કાર્યક્ષમ જણાયા છે, તેને અપગ્રેડ કરવાની અને વધુ કાર્યક્ષમ બનાવવાની જરૂર છે. જીપીસીબીએ 9 એસટીપીને નોટિસ અને એક એસટીપીને શો કોઝ નોટિસ જારી કરાઇ છે. જીપીસીબીની તપાસ દરમ્યાન માલૂમ પડયુ છે કે, ત્રણ જ એસટીપી નોર્મ્સ મુજબ કાર્યરત છે. ચાર એસીટીપી અંશત : રીતે નોર્મ્સનું પાલન કરી રહ્યા છે, જયારે ચાર એસટીપીમાં નોર્મ્સનુંપાલન થતુ નથી.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments